Transcendence

તારીખ-૩૦ જૂન ના પ્રસંગો

⛎જય સ્વામિનારાયણ⛎
   🇦🇹પ્રમુખ પ્રસંગમ🇦🇹
✒ Narayanswarup🖋
    📜📖📖📖📖📖📜

*તારીખ-૩૦ જૂન ના પ્રસંગો*

30-06-2013
સારંગપુર
સ્વામીશ્રી શયનકક્ષમાં પધાર્યા. પડદો ખૂલ્યો અને નજર સમક્ષ સંતોનો વિશાળ સમુદાય જોઈને હાથ જોડાઈ ગયા. સૌને જય સ્વામિનારાયણ કર્યા. સંતો ઉપર નજર ફેરવતાં-ફેરવતાં ઉચ્ચારવા લાગ્યાઃ બધા સારા છે. ભણે છે બધા. આપણે જોગી મહારાજને સંભારીને અભ્યાસ કરવો. વાંચન રાખવું. આશીર્વાદ છે. પછી ઇશારાથી માળા (ભજન)કરવાનું કહ્યું. તરત સ્વામીશ્રીના હાથમાં વૈજયંતી માળા આપવામાં આવી. સ્વામીશ્રી માળા ફેરવવા લાગ્યા. નારાયણચરણદાસ સ્વામી કહે, આ વૈજયંતી માળા કહેવાય.
સ્વામીશ્રી કહે, એ જે હોય તે,આપણે તો ભગવાનને રાજી કરવા છે ને! કોઈ ગમે તે કહે, એ આપણે નહીં જોવાનું. જોગી મહારાજ સામું જોવું.

30-06-2013
સારંગપુર
સ્વામીશ્રી પલંગ ઉપર પોઢ્યા હતા. સ્વામીશ્રીની સ્મૃતિ મળે તે માટે સંતોએ ગમ્મત આદરી.
યોગવિવેકદાસ સ્વામીએ ગમ્મતમાં હરિપ્રકાશદાસ સ્વામીને ગધેડો કહ્યો.
તેઓ સ્વામીશ્રીને કહેવા લાગ્યા, બાપા, આ મને ગધેડો કહે છે.
સ્વામીશ્રી તેમને સમજાવતાં કહે, ભલે ને કહે. તારે જોવું કે મારે ચાર પગ છે? લાંબા કાન છે? નથી ,તો પછી ચિંતા નહીં કરવાની.
એ બરાબર.
સ્વામીશ્રીઃ બરાબર છે, લોકો કહી જાય, પણ આપણે જોવું. નથી તો નથી. આપણે તો આત્મા છીએ.
હરિપ્રકાશદાસ સ્વામી કહે, આપને આત્મા-પરમાત્માનું જ્ઞાન ખૂબ જ દૃઢ છે.
સ્વામીશ્રીઃ એ જ રાખવાનું છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન દૃઢ થાય તો સુખ થાય.
યોગવિવેકદાસ સ્વામીઃ સ્વામીશ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન...
સ્વામીશ્રીઃ એ જ જ્ઞાન રાખવાનું છે અને એ જ જ્ઞાન કામ લાગશે.

30-06-2007
હ્યુસ્ટન
ભ્રમણ પછી આસન કરીને સ્વામીશ્રી પલંગ ઉપર વિરાજમાન હતા.
વાતમાંથી વાત નીકળતાં અહીંની રહેણીકરણી અને ખાનપાનની વાત નીકળતાં ચીતરી ચડી હોય એવું મુખ કરતાં સ્વામીશ્રી કહે, 'લોકો માંસ ખાય એ તો બહુ કહેવાય ! આપણને તો ચીતરી ચડે ને આ લોકો મોઢામાં નાખે.' માંસાહારની ચર્ચા ખૂબ ચાલી. એમાં એક વાત આવી કે બુદ્ધના સાધુઓ પણ ખાય છે. બુદ્ધે અહિંસાનું પ્રદિપાદન કર્યું, પણ છેલ્લે ચંદ લુહારને ત્યાંથી ભિક્ષા આવી ને એમણે ખાધું ને એમાં જ પછી વિકાર થતાં દેહ છોડ્યો, પણ એમના સાધુઓ આ પ્રસંગનો વાદ લઈને હવે માંસ ખાય છે.' સ્વામીશ્રીએ આ સાંભળીને કહ્યું કે ''ઊલટું આવું બન્યું એટલે એવી પ્રેરણા લેવી જોઈએ કે માંસ ખવાય જ નહીં, કારણ કે આમાં તો ઊલટું નુકસાન થઈ ગયું. 'ન જ ખાવું જોઈએ' એવું થવું જોઈએ, પણ લોકોને આસક્તિ હોય એટલે પછી શું થાય ?''

30-06-2005
ભાદરા
સ્વામીશ્રીને અહીંના જૂના મંદિરે દર્શન કરવા જવાની ઇચ્છા હતી. પૂજા પછી સ્વામીશ્રી ચાલતાં ચાલતાં જ દર્શન કરવા માટે નીકળ્યા. ભાદરાની શેરીઓમાં વરસી ગયેલા વરસાદને કારણે કીચડ હતો. ક્યાંક ક્યાંક કોરી જમીનનો બેટ દેખાતો જરૂર હતો, પરંતુ ફક્ત સ્વામીશ્રી જ પગ મૂકી શકે એવો સાંકડો જ. વચ્ચે વચ્ચે આવતા નાનાં ખાબોચિયાં ઉપર પાટિયા મૂકી દેવામાં આવ્યા. સ્વામીશ્રી બંને સેવકોના હાથ પકડીને દર્શને નીકળ્યા. સવારના વાદળછાયાં મૃદુ વાતાવરણની વચ્ચે ઠંડકનો અનુભવ કરતાં કરતાં ધોતિયાનો એક છેડો થોડોક ઉપર લઈને ચાલતાં ચાલતાં સ્વામીશ્રી મંદિરે જવાના શાંતિભાઈ છનિયારા(મિસ્ત્રી)ના મકાનમાંથી પસાર થઈને મંદિરે પધાર્યા. લંડનમાં હવેલીનું બાંધકામ કરનાર લક્ષ્મણભાઈએ અહીં આચાર્ય તેજેન્દ્રપ્રસાદજીની આજ્ઞાથી મંદિરના કલેવર બદલી નાખ્યા છે. જૂના મંદિરની જગ્યાએ નવું બાંધકામ થઈ ગયું છે. સ્વામીશ્રીએ પ્રેમથી એ મંદિરનાં દર્શન કર્યાં ને હજી આ મંદિરની પ્રતિષ્ઠા બાકી હોવાથી સિંહાસનમાં મૂર્તિઓ મૂકવામાં આવી નથી. જૂના મંદિરમાં દાજીબાપુએ પધરાવેલી મૂર્તિ હતી જેમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી લખવામાં આવ્યું હતું. મૂર્તિ તો એ જ પધરાવવાના છે, પરંતુ એ મૂર્તિઓનું ફરીથી રંગરોગાન કરતી વેળાએ મુખ્ય શબ્દ 'મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી' કાઢી નાખવામાં આવ્યો છે. હજી મૂર્તિ સિંહાસનની બાજુમાં જ હતી. સ્વામીશ્રીએ દર્શન કર્યાં.

30-06-2005
જામનગર
સ્વામીશ્રી ઉતારે પધારીને અલ્પાહાર કરવા વિરાજ્યા.
આ પંથકમાં બાલમુકુંદ સ્વામીએ પરિશ્રમપૂર્વક વિચરણ કરીને ખૂબ જ સત્સંગ વધાર્યો છે. બાલમુકુંદ સ્વામીના આ વિચરણની વાત અલ્પાહાર દરમ્યાન નીકળતાં જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું : 'પહેલાં બાલમુકુંદ સ્વામી રાજકોટમાં મહિને એકવાર રવિવારની સભા કરવા માટે આવતા હતા. સભા પછી સંતોની સભામાં એક વખત એમણે કહ્યું હતું કે 'પ્રમુખસ્વામી જો મને આજ્ઞા કરે તો હું પ્રેમથી ડાંગરા જતો રહું ને ડાંગરામાં પ્રેમથી રહું.' તેઓની આવી ભાવનાની વાત સાંભળતાં સ્વામીશ્રીએ જ્ઞાનવત્સલ સ્વામીને જ પૂછ્યું, 'કાંઈ નક્કી થયું ? એ વાત તો સાંભળી પણ ક્યારેક આજ્ઞા થાય તો નિશ્ચય કર્યો હોય તો વાંધો ના આવે.'
'થોડુંક અઘરું તો પડે જ.' જ્ઞાનવત્સલ સ્વામીએ નિખાલસતાથી વાત કરી.
'અઘરું પડે પણ સમજણ હોય ને આવી વાત સાંભળતા રહીએ તો ધીમે ધીમે દૃઢ થશે.' સ્વામીશ્રીએ પાત્રતા સારી રુચિ વડે કેળવાય છે એ વાતને દૃઢાવી.
જ્ઞાનવત્સલ સ્વામી કહે : 'એ બાબતમાં આપની બહુ જ કૃપા જોઈએ, નહીં તો મેળ જ ના આવે.'

30-06-2005
જામનગર
આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ''આપણને ચાર દિવસથી કથાવાર્તાનો અખાડો થયો છે. સંતોએ આપણને લાભ આપ્યો છે. સંતો બધા વરસ્યા છે. જેમ વરસાદ વરસ્યો તો પાણી પાણી કરી દીધું, તો શાંતિ કરી દીધી. વરસાદ શાંતિને કરનારો છે. વરસાદથી નવખંડ ધરતી લીલી પલ્લવ થઈ જાય. ચાદર ઓઢી હોય એવું થાય. વરસાદથી એવું થાય તો ભગવાન ને સંત મળે, આવા સંતોની કથાવાર્તા મળે તો આપણા સંસ્કારોનો ઉદય થઈ જાય. આપણા સંસ્કારોની વૃદ્ધિ થાય, ભગવાન ભજવાની ઇચ્છા થાય, વ્યસનો-દૂષણો દૂર થાય ને શાંતિ થઈ જાય. એટલે જેમ વરસાદ એ જીવ-પ્રાણીમાત્રનું જીવન છે, એમ સંતસમાગમ પણ આપણું જીવન છે. એનાથી જીવને બળ મળે છે. આત્માનું ભોજન કથા, વાર્તા, કીર્તન ભજન છે. એનાથી આત્માને ભગવાનનું બળ મળે છે ને પરમાત્માનું બળ સર્વથી શ્રેષ્ઠ છે, એ બળ આગળ બીજા કોઈનું બળ કામ કરી શકે નહીં.
(મહાભારતના યુદ્ધમાં પાંડવોને ભગવાન કૃષ્ણનું બળ હતું તો પાંડવો વિજયી થયા એ પ્રસંગ વિસ્તારે કહ્યો.)
માણસ પોતાની શક્તિ, બુદ્ધિ, આવડતનું બળ લઈને ફરે ને જે ભક્ત છે એ ભગવાનના બળને લઈને ફરે. એને ભગવાનના બળ સિવાય કાંઈ જરૂર નથી, કારણ કે એ ભગવાનનો મહિમા સમજ્યો છે કે જે કાંઈ થાય છે એ ભગવાનને લઈને થાય છે, ભગવાનની ઇચ્છાથી થાય છે ને ભગવાનનું બળ જેને જેને મળ્યું છે એ માણસ સુખિયા થયા છે. આપણે પણ અંદરથી ઘર્ષણ થયા કરે છે તો એની સામે લડવું છે તો ભગવાનનું બળ લેવું. (શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે તૈયાર કર્યો. તેમના બળે લડ્યો તે વાત કરી) જેના પક્ષે ભગવાન છે, ભક્ત છે એની જીત હંમેશાં છે. સંસાર એ સંગ્રામ છે. કામ, ક્રોધ, ઈર્ષ્યા, કપટ - અનીતિમાં જીવન પૂરું થઈ જાય. એ ઘર્ષણમાં કોઈપણ સહાય કરનાર હોય તો ભગવાન અને સંત. આપણે જીવનમાં બધું કરો પણ આપણું કશું નથી. જેટલું ભગવાન માટે થશે એટલી શાંતિ થશે ને ભગવાન બીજી રીતે આપશે. ભગવાન અને સંત કોઈનું લેવા આવ્યા નથી. આ વરસાદ વરસ્યો તો કાંઈ માગ્યું ? એને એક જ છે કે મારે બધાને સુખી કરવા છે. ભગવાન ભજતો હોય કે ન ભજતો હોય તો પણ ભગવાન તેને વરસાદ આપે છે. તે સર્વ માટે છે. પાણીનું બીલ નહીં આવે. ઇલેક્ટ્રિક, ઑક્સિજનના ચાર્જ લગાડે, પણ વૃક્ષો ઑક્સિજન આપે છે.
એટલે ભગવાનના આપણા પર અનેક ઉપકારો છે, તો ભગવાનનું બળ રાખી આપણે કથાવાર્તા ભજન કરી સુખિયા થઈએ એ જ મહારાજને પ્રાર્થના.''

30-06-2004
ઓર્લાન્ડો
મુલાકાત દરમ્યાન એક પારસી હરિભક્ત બરજોરજી ટાટા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓ ન્યૂક્લીયર એન્જિનિયર છે. સ્વામીશ્રીને વાત કરતાં કહે : '૨૦૦૩માં તમે સપનામાં આવ્યા હતા અને મને કહ્યું હતું કે શિક્ષાપત્રી વાંચજે, ભજન-ભક્તિ કરજે અને પૂજા નિયમિત કરજે. આપના આ આદેશ પછી હું તમારો ચેલો છું.

30-06-2004
ઓર્લાન્ડો
એક હરિભક્ત અહીંના એક ઈરાની વેપારીને લઈને આવ્યા. ઈરાની વેપારીનું નામ હતું ગુદાર્જે. તેઓ સ્વામીશ્રીના કાર્યથી પ્રભાવિત થઈને મંદિરને દર વર્ષે ચોખા, ચીઝ જેવી લગભગ ૨૫,૦૦૦ ડૉલરની વસ્તુઓ સેવામાં મોકલે છે. સ્વામીશ્રી તેઓની આ ભાવનાથી રાજી થયા અને આશીર્વાદ આપ્યા. ગુદાર્જે કહે : 'વિશ્વમાં શાંતિ અને સુખ લાવવા માટે આપ જે પ્રયત્નશીલ છો, એ સાંભળતાં અને જોતાં અમારી ફરજ છે કે તમારા માટે આ કરવું જોઈએ.'

30-06-2004
ઓર્લાન્ડો
સ્વામીશ્રી મુલાકાતમાં વ્યસ્ત હતા. એક યુવકને જોતાં સ્વામીશ્રી કહે : 'કમલેશ આવ્યો ?' કમલેશ માટે આ મમતા અનપેક્ષિત હતી. એને અંતરમાં કંઈક પ્રશ્ચાત્તાપના ભાવ જાગવા માંડ્યા. રોસ્ટ્રમ સુધી આવતાં સુધીમાં તો બારે મેઘ ખાંગા થઈ ગયા. આજુબાજુ ઉભેલા કોઈની પણ પરવા કર્યા વગર એ ચોધાર આંસુએ રડી રહ્યો હતો. જો કે આ આંસુ ન હતાં, સ્વામીશ્રીની સંનિધિમાંથી ઉત્પન્ન થયેલી અંતર્દૃષ્ટિના કારણે એના અંતરના ગુના બહાર વહી રહ્યા હતા. પવિત્ર સન્નિધિમાં જાણે કે એ સ્નાન કરી રહ્યો હતો. બંને વચ્ચે કોઈ પણ સંદર્ભની આપલે થયા વગર જ એને નીચો નમાવીને હાથ પ્રસરાવતાં સ્વામીશ્રી કહે : 'તને કેટલી વાર વાત કરી હતી ! હવે તો મૂક.' સ્વામીશ્રીની મમતા એને વધારે ને વધારે અંતઃપ્રદેશમાં ગતિ કરાવી રહી હતી અને સાથે સાથે એના ડુસકાં પણ વધી રહ્યાં હતાં. એની આંખોમાં એની લાચારીના ભાવ તરી રહ્યા હતા. સ્વામીશ્રીએ વિશેષ હેત કરતાં કહ્યું : 'તને ખબર છે ? તારા ઘરે સ્પેશિયલ તારા માટે જ ગયા હતા. તારું વડોદરામાં મકાન હતું, ત્યાં પણ ગયા હતા.' કેવળ શ્રવણ કરી રહેલા એની પાસે આંસુ સિવાય કોઈ જ જવાબ ન હતો.
સ્વામશ્રીએ બીજો પ્રશ્ન કર્યો : 'ધંધાનું કેમ છે ?' બાજુમાં રહેલા કાર્યકરે કહ્યું : 'હજી એટલું ઠેકાણું પડ્યું નથી.'
સ્વામીશ્રીએ તરત જ કહ્યું : 'ધંધો ક્યાંથી રહે ! આમને આમ વ્યસનોમાં જીવન જતું રહે, પછી ઠેકાણું ક્યાંથી પડે ?' એની આંસુઓની ધારને ન ગણકારતાં સ્વામીશ્રીએ પિતા સહજ ઠપકાના સૂરમાં આટલી વાત કર્યા પછી પુનઃ મમતાનો સ્પર્શ આપતાં કહે : 'મને ખબર છે કે તું વ્યસન નથી મૂકી શકતો, એનું તને દુઃખ છે જ, પણ એટલું સમજ કે મૂક્યા વગર છૂટકો જ નથી. આજે નક્કી જ કર - અહીં આવ્યો છે તો હવેથી કોઈ દિવસ લેવું નહીં, એવો કુસંગ હોય તો એ મૂકી દે. ભલે દેહ પડી જાય, તો ભગવાનના ધામમાં જવાશે, પણ એક વખત નિશ્ચય કર પછી તને ખૂબ જ આનંદ આવશે.' આવી આત્મીયતા અને આવી વડીલસહજ ટકોર કદાચ એણે વર્ષો પહેલાં પોતાનાં માતાપિતા પાસે સાંભળી હશે અને એટલે જ માતા અને પિતાની સ્મૃતિ કરાવતી આ સ્નેહસરિતામાં એ ફક્ત તણાઈ જતો હતો. એટલું જ નહીં, પશ્ચાત્તાપના આંસુ ધીમે ધીમે વધી રહ્યાં હતાં. સ્વામીશ્રીના ઓશિકાની ઉપર માથું ઢાળીને એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહ્યો હતો. સ્વામીશ્રીએ વહાલથી એને કીધું : 'રોજ માળા કરીને ભગવાનને કહેવું કે મારા આ પાપ જાય.'
સ્વામીશ્રીએ એક હિંમત હારી બેઠેલા યુવાનને સ્નેહનો સ્પર્શ આપીને સત્સંગની શક્તિ ભરીને પુનઃ આત્મ-વિશ્વાસથી પ્રફુલ્લિત કર્યો.

30-06-2004
ઓર્લાન્ડો
એક અમેરિકન, નામે એપ્લોન દર્શને આવ્યા હતા. સત્સંગીઓના યોગમાં તેઓને સ્વામીશ્રીનો મહિમા સમજાતાં સત્સંગસભામાં નિયમિત આવતા હતા. આજે પ્રથમ વખત તેઓ સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા. સ્વામીશ્રીના કાર્યથી તેઓ એટલા પ્રભાવિત છે કે તેઓ જે ગેસસ્ટેશન ઉપર નોકરી કરે છે, ત્યાંથી કોઈ ભારતીય કુટુંબ પસાર થતું હોય, એને પોતે જ સામેથી 'જય સ્વામિનારાયણ' કહે છે. સ્વામીશ્રી આ અમેરિકન ગુણભાવીને જોઈને રાજી થયા. મૂર્તિ આપવાનું સામેથી કહીને સ્વામીશ્રી કહે : 'તારા ઘરમાં આ રાખજે.'

30-06-2001
દિલ્હી
વિશ્વપ્રસિદ્ધ અણુવિજ્ઞાની અને અંતરિક્ષ વિજ્ઞાની શ્રી અબ્દુલ કલામ અને તેમના મિત્ર શ્રી વાય.એસ. રાજન મુલાકાતે આવ્યા. તેમને સોફા પર બેસવા ઘણી વિનંતી કરી છતાં સ્વામીશ્રી સમક્ષ નીચે જ બેસી ગયા. થોડી ઔપચારિક વાતો પછી તેઓ કહે, 'ભારત વિકસિત દેશોની હરોળમાં આવે તે માટે અમે બધાએ ભેગા મળીને પાંચ મુખ્ય ક્ષેત્રો નક્કી કર્યા છે.
૧. શિક્ષણ અને સ્વાસ્થ્ય સુરક્ષા  ૨. કૃષિ અને તેને લગતા ક્ષેત્રો    ૩. ઇન્ફોર્મેશન અને કૉમ્યુનિકેશન   ૪. ઇન્ફ્રાર્સ્ટક્ચર   ૫. વર્તમાન અને ભવિષ્યની દૃષ્ટિએ આવશ્યક ટેકનોલોજી
સ્વામીજી! અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે અમે સરકાર સમક્ષ આ રજૂઆતો તો કરીએ પણ અમે એવા મૂલ્યવાન નાગરિકો કઈ રીતે તૈયાર કરીએ કે જે આ બધાનો ભાર વહન કરીને આગળ પહોંચે. અમારે ઉત્તમ નાગરિકો જોઈએ છે. એમાં તમે એક્સપર્ટ છો. માટે એમાં અમારે તમારી સલાહ જોઈએ છે.'
સ્વામીશ્રી ,' પાંચ મુદ્દાની સાથે છઠ્ઠો મુદ્દો ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિક રીતે તે લોકો તૈયાર થાય એ પણ એક ખૂબ મહત્ત્વનું છે. ધર્મમય વાતાવરણ ખડું કરવાની જરૂર છે. અત્યારે બધા દુરાચાર-ભ્રષ્ટાચારમાં ચાલ્યા ગયો છે. શાસ્ત્રમાં જે વાત કરી છે તે આદેશ અનુસાર ચાલે, ભગવાનમાં શ્રદ્ધા રાખીને એવા માણસો તૈયાર કરવા હોય તો એમને પહેલાં ભગવાનમાં અને શાસ્ત્રમાં શ્રદ્ધા કરાવવી જોઈએ. જે આધ્યાત્મિક સંતો છે તેના થકી તે બંને શ્રદ્ધા જાગ્રત થાય છે. તે થાય તો આ બધું સરળ થઈ જાય. જે પ્રશ્નો છે તે હલ થઈ જાય અને જે કરવા ધાર્યું છે તે થઈ જાય.'
શ્રીકલામ, 'પહેલાં માણસોને ધાર્મિક કરીને પછી આ પ્રમાણે કાર્યનો આરંભ કરવો કે પછી સમાંતર કરવું?'
સ્વામીશ્રી, 'સમાંતર. વિકાસનું કાર્ય ચાલુ રાખવું અને સાથે સાથે ધાર્મિકતાને પણ અપનાવવી.'
શ્રી કલામ, 'આટલું મોટું સ્વપ્ન સાકાર કરવું હોય તો અમારે પુણ્યશાળી નાગરિકો, પુણ્યશાળી નેતા અને પુણ્યશાળી અધિકારીઓ જોઈએ. તેનો સમૂહ કઈ રીતે વધે? જો તે વધે તો ભારત જગતગુરુ થઈ જાય.'
સ્વામીશ્રી, 'એના માટેની જ વાત કરીએ છીએ કે આ રીતનો તમારો પ્રયત્ન છે તેની સાથે અધ્યાત્મ શિક્ષણ આપો. અત્યારે સ્કૂલો-કોલેજોમાંથી ધાર્મિક શિક્ષણ નીકળી ગયું છે. જે તેને શિશુ અવસ્થાથી જ મળવું જોઈએ. તે તો મળતું નથી અને પેલું (પાઠ્યપુસ્તકનું) જ્ઞાન આપીએ છીએ. પણ પહેલેથી જ એનો જન્મ થાય ત્યારથી જ એને એ સંસ્કારો આપવા જોઇએ તો એવા માણસો તૈયાર થાય. ગળથૂથીમાં આ સંસ્કારો આપવા જોઈએ તો એવા માણસો તૈયાર થાય. ભણતરની અંદર શાસ્ત્રોની વાતો, મોટાપુરુષની વાતો આપવી. તો તેમાંથી માણસો તૈયાર થશે. અત્યારે જે સામાજિક, ધાર્મિક કે રાજકીય લોકો સંસ્કારી જોવા મળે છે, તેમને મૂળ તો પાયામાંથી જ સંસ્કારો મળેલા છે.
પહેલાં આપણી ગુરુકુળ પદ્ધતિમાં આ પ્રકારનાં સંસ્કારો મળતા. રાજાનો કુંવર હોય કે ગરીબ હોય પણ બધાને વિદ્યાભ્યાસની સાથે સત્યં વદ, ધર્મં ચર... જેવા મૂલ્યો, પરોપકાર કરવો, ખોટું ન કરવું, ભગવાનમાં શ્રદ્ધા વગેરે શીખવવામાં આવતું.'
શ્રી કલામ, 'સારા નાગરિકો સરકારના નિયમોથી થતા નથી. ફક્ત આપ જેવા સંતોથી જ તે શક્ય બને છે. તથા ૧૫ વર્ષની ઉંમર સુધી માબાપ તેના પુત્રમાં રસ લે ને સંસ્કાર રેડે પણ પછી કોઈ નિયમ એને સંસ્કાર આપી શકે તેમ નથી.... મારે આપની પાસેથી ભારત ૨૦૨૦ ની સાલ સુધીમાં વિકસિત દેશ બને તેની માટે સલાહ અને આશીર્વાદ જોઈએ છે...'
સ્વામીશ્રી, 'આધ્યાત્મિક સંપત્તિ જેટલી મજબૂત હશે એટલી આ (લૌકિક) સંપત્તિ તેની મેલે જ આવી જશે. માત્ર લૌકિક સંપત્તિ વધે તો માણસ મોજશોખમાં જતો રહે. જો આધ્યાત્મિક સંપત્તિ તેની સાથે આપીએ તો મોજશોખમાંથી વૃત્તિ પાછી વળી જાય. જે જરૂરી છે તે આપવાનું જ છે. બહુ સમૃદ્ધિ મળે તો માણસ વિલાસમાં જતો રહે. પછી સમાજ ખોટે રસ્તે જતો રહે. કારણ કે આધ્યાત્મિક માર્ગ એને મળ્યો નથી.'
શ્રી કલામ, 'હું તે વાતમાં સંમત છું.'
સ્વામીશ્રી, 'પૈસા અને સત્તા જરૂર કરતાં વધારે મળે તો માણસ અધ:પતન તરફ જતો રહે છે.'
શ્રી કલામ, 'ગાંધીનગર અક્ષરધામ જોયા પછી અને આ દિલ્હી અક્ષરધામની વાત સાંભળીને મને વિચાર આવે છે કે તમે દર વર્ષે એક લાખ સંસ્કારી યુવાનો બહાર પાડી શકો. તમે જ તે કરી શકો.'
સ્વામીશ્રી, 'યોગીજી મહારાજનો સંકલ્પ છે જ કે આવા યુવાનો તૈયાર થાય. એ માટે અમારો પ્રયત્ન ચાલે છે કે બાળકો-કિશોરો-યુવકો તૈયાર થાય.'

30-06-1994
એટલાન્ટા
સ્વામીશ્રી સાથે પચીસ યુવકો ફરે છે. દરરોજ જુદા જુદા યુવકને સેવા મળે. સવારે નાસ્તા પછી કોગળા વખતે મીઠાને બદલે ભૂલથી સોડા મૂક્યો હતો. પહેલા કોગળાએ જ બાપાને ખ્યાલ આવી ગયો. હળવેથી ટકોર કરી. ઉગ્રતાનો અંશ પણ નહોતો.

Comments

Post a Comment

amazon

Popular Posts