Transcendence

સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જીવનકથન

સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જીવનકથન





કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના કીર્તન વગાડતા હોય એમાં સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીના પદ આવે નહિ એવું જવલ્લે જ જોવા મળે. ભગવાન સ્વામિનારાયણના બાર સદગુરુ સંતોમાંના એક અને શતાવધાની એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની થોડી વાતો જોઈએ.

માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે..
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે.. ટેક

ઉપરોક્ત કીર્તનના રચયિતા છે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી !



બ્રહ્માનંદ સ્વામીનો જન્મ સંવત ૧૮૨૮ની વસંત પંચમીએ રાજસ્થાનના શિરોહી જીલ્લાના થાણ ગામમાં થયો હતો. તેમનું મુળ નામ લાડુદાન ગઢવી હતું. તેમના પિતાનું નામ શંભુદાન ગઢવી અને માતાનું નામ  લાલુબા.




આમેય "ચારણ ચોથો વેદ" એ કહેવતોક્તિ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી બાળપણથી જ પ્રભુભક્તિને વરેલા સાહિત્યના માર્ગે ચાલવાના રસિક હતાં.તેઓ ઉદેપુરના મહારાજાના દરબારમાં કવિ તરીકે વિવિધ રચનાઓ કરતાં અને રજુ કરતાં. તેમની રચનાઓથી પ્રભાવિત થયેલા મહારાજાને લાગ્યું કે,આ વ્યક્તિ મહાકવિ બનવાને સર્જાયેલી છે તેથી તેઓએ તેમને પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવા કચ્છ મોકલ્યા. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષ હતી. એ વખતે સાહિત્યમાં પિંગળ જેવા ભારેખમ વિષયોમાં કચ્છની બોલબાલા ઘણી હતી. કચ્છમાં એવા ઘણા વિદ્વાનો હતાં જે આવા વિષયોમાં સફળતાપૂર્વક ખેડાણ કરી જાણતાં.કચ્છમાં જઇને બ્રહ્માનંદ સ્વામીએ ભુજની કાવ્યશાળામાં પિંગળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર સહિત કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. કચ્છમાં રહેવાને કારણે તેમની રચનાઓમાં કચ્છી તળપદી બોલીની અદ્ભુત છટા પણ વર્ણવાયેલી છે.


ઇ.સ.૧૮૦૪માં ભગવાન સ્વામિનારાયણ સાથે તેમનો મેળાપ થયો. એ મેળાપ કેવી રીતે થયો એ ઇતિહાસ પણ જાણવા જેવો છે. કોઈ વાર એ વિષય પર વિશેષ વાતો કરીશું. ભગવાન સ્વામિનારાયણના વિચારોથી પ્રભાવિત થઇ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા અને લાડુદાનજીમાંથી રંગદાસજી બન્યા. પોતાના હસમુખી સ્વભાવને કારણે તેઓ બધાને આનંદ કરાવતા તેથી તેમનું નામ ફરીથી બ્રહ્માનંદ સ્વામી રાખવામાં આવ્યું. સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી બંને ભેગા થઈને શ્રીજી મહારાજને રાજી કરતા. બ્રહ્માનંદ સ્વામી તથા તેમના જેવા જ કવિ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયને સંગીતના વિષયમાં એક નવી ઊંચાઈએ મુક્યો હતો. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ યેનકેન પ્રકારે આ સંપ્રદાયને સમર્પિત કાર્યો કરતા રહ્યા.  બ્રહ્માનંદ સ્વામી એ પોતાની કાવ્યરચનાઓથી સંપ્રદાય સહિત આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું.




વળી, માત્ર કાવ્યશાસ્ત્રમાં જ નહિ શિલ્પ અને સ્થાપત્યની વિદ્યામાં પણ બ્રહ્માનંદ સ્વામીનો જોટો જડે તેમ નહોતો. મુળી અને જુનાગઢના મંદિરો ઉપરાંત વરતાલનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર તેમની જ દેખરેખમાં બન્યું હતું. આજની ભાષામાં કહીએ તો સ્વામિનારાયણ ભગવાને જે બજેટ આખા મંદિર કરવા માટે આપ્યું હતું એટલે પૈસાતો ખાલી વરતાલ મંદિરના પાયા માં જ વપરાઈ ગયા. પરંતુ પોતાની કાલા સૂઝ અને વ્યવહારુ કુશળ વર્તનથી તેમણે કમળાકાર મંદિરના પાયા નાખ્યા અને ભવ્ય મંદિર બાંધ્યું. આમ,બ્રહ્માનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવનાર હતાં.


તેમની કાવ્યરચનાઓ ખરેખર અદ્ભુત હતી. તેમણે આઠ હજાર જેટલા પદોની ગુજરાતીમાં રચના કરી છે. ઉપરાંત હિંદીમાં પણ લાંબાં કવિતોની રચના કરી છે. તેમની દરેક રચનાઓ છંદાલંકાર અને કાવ્યશાસ્ત્ર બહોળા જ્ઞાનથી ભરપુર હતી. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ રવિન્દ્રનાથ ટાગોરને મળ્યાં ત્યારે કાગબાપુએ બ્રહ્માનંદ સ્વામીની રંગભર સુંદિર શ્યામ રમે રચના ટાગોરને સંભળાવી હતી. કવિવર ટાગોર આનાથી ખાસ્સા પ્રભાવિત થયા હતાં. દુલા કાગે કહેલું કે તેમના ઉપર ભગવાનની કૃપા હોવી જોઈએ બાકી આ શક્ય નથી. બ્રહ્માનંદ સ્વામીએ પદો, કવિતો,ભજનો, થાળ વગેરે પ્રેમલક્ષણાભક્તિથી ભરપુર પદોની રચના કરી છે. સ્વામી સહજાનંદ લિખીત શિક્ષાપત્રિનો બ્રહ્માનંદ સ્વામીએ ગુજરાતીમાં કાવ્યુનાવાદ કર્યો છે.



ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત એવા બ્રહ્માનંદ સ્વામીનું ૬૦ વર્ષની વયે ઇ.સ.૧૮૩૨ના અને વિક્રમ સંવત ૧૮૮૮ના જેઠ સુદ ૧૦ના રોજ મુળી ખાતે શ્રીજીમહારાજનું અખંડ સ્મરણ કરતા પોતે અક્ષરધામમાં મહારાજની સેવામાં બેસી ગયા.


તેમણે લખેલા પ્રસિદ્ધ ગ્રંથોની યાદી:

૧. બ્રહ્માનંદ કાવ્ય
૨. શ્રી સુમતિપ્રકાશ
૩. બ્રહ્મવિલાસ
૪. શિક્ષાપત્રી (પદ્ય)
૫. ઉપદેશ ચિંતામણી ચંદ્રાવળા અને
૬. ઉપદેશ રત્ન દિપક.


આ ઉપરાંત ૮૦૦૦ થી પણ વધારે ગુજરાતી પદોનાં રચનાકાર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત એક કીર્તન અહીં પ્રસ્તુત છે.


અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા,
હું તો મોહિ છું બાજુ કેરે બોરડે રે, આવોને અલબેલા... ટેક꠶
વ્હાલા ભાવે કરીને સામું ભાળતા રે, આવોને અલબેલા,
હાથે ફૂલ દડાને ઉછાળતા રે, આવોને અલબેલા,
અલબેલા ૧માથે સુંદર છોગા મેલતા રે, આવોને અલબેલા,
રંગ ભીનાજી રંગડો રેલતા રે, આવોને અલબેલા,
અલબેલા ૨મારા તનડાના તાપ નિવારવા રે, આવોને અલબેલા,
બ્રહ્માનંદનો જનમ સુધારવા રે, આવોને અલબેલા... અલબેલા ૩

Comments

amazon

Popular Posts